About Vatav

વટાવ ગામનો ઈતિહાસ

વટાવ ગામનું નામ વટવેશ્વર મહાદેવના નામ પરથી પડેલું છે. વટાવ ગામમાં સૌ પ્રથમ બારોટ સમાજના લોકો રહેવા આવેલા. લોક વાયકા મુજબ બારોટ સમાજને રાજા તરફથી ભેટમાં મળેલ ગામ છે. રાજાના વિશ્વાશું એવા બારોટ સમાજના વ્યક્તિએ ગાયકવાડ સરકારમાં ઉત્તમ કામગીરી કરેલ, જેના ફળ સ્વરૂપમાં આ ગામ ભેટમાં મળેલ. ત્યારબાદ સેવા, પૂજા, અર્ચન કરવા માટે ગોસ્વામી સમાજના એક કુટુંબને અહીયા લાવ્યા. અને ગામની રખેવાળી કરવા વાલ્મીક સમાજના એક કુટુંબને ગામમાં બોલાવી સગવડ આપી રાખવામાં આવ્યા. તેમ ધીમે ધીમે વંશજો વધતા ગયા અને ગામમાં ઘરો, પીવાના પાણીની વ્યવસ્થા, ખેતીવાડી, વગેરે વધવા માંડ્યા. સૌ લોકો ભાઈચારાની ભાવનાથી વિકાસ કરવા લાગ્યા. ત્યારબાદ પંચાયતી રાજ આવ્યું. દેશને આઝાદી મળી. સરકાર અને સમાજ ભેગા મળી ગ્રામ વિકાસ, વ્યક્તિ વિકાસના કાર્યો કરવા લાગ્યા. ધીરે ધીરે બધા સમાજના લોકો પોતાના વ્યવસાય સાથે રહેવા આવ્યા.તેઓ પણ રોજગારી મેળવી ગામમાં રહેવા લાગ્યા.

આજે વટાવ ગામમાં પંચાયતઘર, હાઈસ્કુલ, પ્રાથમિક શાળા, દૂધ ઉત્પાદક સહકારી મંડળી, પુસ્તકાલય, એક આંગણવાડી વગેરે સંસ્થાઓ છે. સાથે પુરુષ અને સ્ત્રીઓના ભજન મંડળો, યુવક મંડળો છે. ધાર્મિક રીતે ઘણા મંદિરો છે જે સેવા અને સંસ્કારની પ્રવૃતિઓ  કરી રહ્યા છે. આજે વિકસિત ભારતની સંકલ્પના અનુસાર વિકસિત ગામ થઇ રહ્યું છે. ગ્રામજનો સંપ, એકતા અને વિકાસ સાથે આગળ વધી રહ્યા છે.

વટાવ ગામની ઓળખ